Tuesday, August 21, 2012

મોરલી વાળા

મોરલી વાળા

આવો હવે મોરલી વાળા, સં ભવામી વચન વાળા
ભૂમી ભારત ઉગારો,
આવો ગિરિધારી આવો...
રાવણ તેદિ' એક જનમ્યો'તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર
વિભીષણ એક ન ભાળું,
જામ્યું બધે પાપ નું જાળું..
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત. આજ ન જીજાબાઇ જણાતી,
નથી શૂરો કોઈ તાત
ભીડૂં જે
ભોમ ની ભાંગે, જાગે રણશિંગા વાગે...
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ. ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
લૂંટે છે
ગરીબ ની મૂડી, રાખે નિતી કુડી કુડી...
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ. નાટક ચેટક નખરા જોતાં,
આજના મા ને બાપ
તમાકુ ની
ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત. નારી દેખી નર સીટીઓ મારે,
દુર્યોધન ના ભ્રાત
સીતાની
શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી..
લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન. લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન
આંખે
આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું..
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ. ખેતર વચ્ચે ચાડિયો
ચોંટ્યો, એવો લાગે છે મેળ
ભૂમિ ભારત
ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ. પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
ભારત ની
ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ. આજ મુનિજન એવા હશે ક્યાં,
રિઝાવી લે મહારાજ
ઊતારે
રામ ને હેઠો, જોવે છે ત્યાં બેઠો બેઠો..
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર. આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર

રહે શું માતમ તારું, લાગે તને કલંક કાળું..
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત. વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત

ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય. આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય
કાંતો
અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો...
દીન "કેદાર"ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ. પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ
પછી અવતાર
જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે...
સાર:-એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક
ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે ભારત માં
રહેનાર ભારતીય કહેવરાવવા નું પણ શરમ જનક માનવા લાગ્યા, કારણ કે અમુક લોકો
એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી. રાવણે સીતાજી નું હરણ
કરેલું, પણ તેમને અશોક વટિકા માં રાખેલા, પોતાના મહેલ માં લઈ જવાની કોઈ
કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો.
આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને
અપમાનિત ન કરી શકાય.

જીજાબાઈ જેવી માતા હોય તેને પેટ શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને?
જેણે શિવાજી પેટમાં હતા ત્યારથીજ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ
પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને મા ના પેટમાં ગર્ભ
હોય ત્યાર થીજ તેને સમજણ આપી શકાય છે, તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી
બતાવ્યું છે. જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે
સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને
તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા
કેમ રાખવી? આવ વાતાવરણમાં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે, પછી
ભારત માં ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય
ને? જોકે અમુક સંતો મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ
આવવાની આશા રાખી શકાય ખરી. કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને
આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતની ભાળ મેળવીએ કે જે ઊપર
બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની
દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો
તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં
મુશ્કેલી પડશે, અને પ્રભુ હવેતો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી
પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને
ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ
હવે અવતાર ક્યાં ધરશો, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં
ગોતવા જશો? માટે હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના
માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.
જય જગદીશ્વર.
માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને મારી
ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
આ રચના આપ મારાજ શ્વરમાં મારા બ્લોગ kedarsinhjim.blogspot.com પર માણી
શકસો, જે એક કવી સંમેલનમાં મેં રજુ કરી હતી.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com

Saturday, August 18, 2012

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે
સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ
નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ
ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા
માં, કશી ના કામના કરતો
દીન દુખી ને દેતો
દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો, ભજન નો ભેખ પહેરી ને, લગાવે
નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી
જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો, રહે ના જન્મ ના ફેરા, સફળ
અવતાર એ કીધો
"કેદાર" આવા કરમી
જન તો, તારીદે સઘળી નાત ને...

સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે
છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો
ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ
મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા
જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા
માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે
ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ
ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણેજ ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ
પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે
સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે
જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય
કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં
મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ
બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને
બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મલ્યો. પ્રભુએ
બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર
સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે એવું વચન આપ્યું. પહેલાં
તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ
વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી
ધર્મરૂચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને
સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો.
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર
માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળેછે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી
જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજનાજ હોય એવું નથી લાગતું?
પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને
રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેનેતો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે
ની બધા ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે?
-
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી
માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું
પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ
માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો
માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો
પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ
ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા
સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવાલાગ્યા
છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.

માન્યવર,
જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય, અને આપના સગા સ્નેહી તેમજ આપના
બ્લોગ કે ફેસ બુકના મિત્રોને મોકલવા લાયક લાગતી હોય તો જરૂરથી મોકલશો,
અને સાથો સાથ મારા Email પર મને Coment મોકલવા પણ સૂચન કરજો જેથી મને
મારી ભૂલો અને પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.
ધન્યવાદ.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Friday, August 10, 2012

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ, પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ, ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી, લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ
અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ
પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે,
પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે
ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે,
એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના
વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ
વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને
યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે
લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન
નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન
સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે
એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા
સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન
સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી,
મુચકુંદ રાજાએ ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી
કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે
હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભગવું પણ પડેલું, અને તેથી તેઓ
રણછોડ કહેવાયા.
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની
ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે
પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી
શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ
રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન
કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.
રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Wednesday, August 8, 2012

પીર ભ્રમણ કરવા ગયા છે.

પીર ભ્રમણ કરવા ગયા છે.
એક ફકીર જેવો વેશ ધારણ કરેલો શખ્સ ઘેર ઘેર માંગી ને પોતાનું પેટ ભરતો
હતો, તેને કોઈ એક શખ્સે કહ્યું ભાઈ, આમ ભટકતા ભટકતા જીવન કેમ જાશે? કોઈ
કામ ધંધો કર નહિતો ભૂખે મરવાનો વારો આવશે. ફકીરને પણ લાગ્યું કે વાત તો
સચી છે, કંઈક જરૂર કરવું પડશે, એમ વિચાર કરતો આગળ ચાલવા લાગ્યો. રસ્તામાં
એક દરગાહ જેવું ખંડેર જોઈને ત્યાં બેસીને હવે શું કરવું એ વિચારવા
લાગ્યો. એ ખંઢેરમાં એક ભૂત રહે, તેને થયું આ માણસ મારી જગ્યા પચાવી પાડશે
અને મારી શાંતિનો ભંગ કરશે, તેથી તે એ ફકીરને ડરાવવા ના અનેક પ્રયત્નો
કરવા લાગ્યો, પણ ફકીર કોઈ રીતે ડર્યો નહીં ત્યારે ભૂત તેની સામે પ્રગટ
થઈને કહેવા લાગ્યો કે ભાઈ તું કોણ છો? અને મારાથી ડરતો કેમ નથી? ફકીરે
કહ્યું હું આ સંસારથી કંટાળી ગયો છું, જને તો આ જીવનથી છુટકારો જોઈએ છીએ,
જે પોત જ મોત ઇચ્છતો હોય તેને બીક શાની? તું તારે જે કરવું હોય તે કર,
હું તો થાક્યો છું તેથી આરામ કરીશ, આ જગ્યા મને ગમી છે, તેથી હવે તો
અહિંજ રહી જવા વિચારી લીધું છે.
ભૂત હતો હોશિયાર, એણે એક રસ્તો બતાવ્યો, કે જો તારું અને મારું બન્નેનું
કામ થઈ રહે એવું કરીએ, આ જગ્યા સાફસૂફ કરીને તું જાહેર કરીદે કે મને અહીં
પીર બાબા સાક્ષાત્ પ્રગટ થઈને આ જગ્યાની સેવા ચાકરી કરવાનું કહી ગયા છે,
તેથી તને અહીંથી કોઈ હટાવશે નહીં, હું તો ભૂત છુંજ, મારી શક્તિના ઉપયોગ
થી તને ચમત્કાર કરવામાં મદદ કરીશ, બોલ છે કબૂલ?
ફકીરને તો એટલુંજ જોઈતું હતું, એ જગ્યા સાફસૂફ કરીને લાગ્યો રહેવા. ધીરે
ધીરે આજુ બાજુ વાત માંડી ફેલાવા કે કોઈ ચમત્કારી બાબા આવ્યા છે અને ભૂત
ભવિષ્ય જાણે છે. માનવ માત્ર લાલચુ તો છે જ, માંડી કતારો લાગવા, લોભી હોય
ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ન્યાએ ફકીર ની જાહો જલાલી વધવા લાગી,પીર બાબા
માટે અનેક ચડાવા ચડવા લાગ્યા, અને ધન ના ઢગલા થવા લાગ્યા. આખા પરગણા માં
પીર અને આ ફકીરની સેવા કરવા માણસો તત્પર રહેવા લાગ્યા.
એક દિવસ પેલો ભૂત ફકીરને કહેવા લાગ્યો કે ભાઈ, મેં તારી ખૂબ મદદ કરી,
મારા નામે તું ખૂબ કમાયો, એમાંથી હવે મને મોક્ષ મળે એવો કોઈ ઉપાય કરીને
મને આ યોની માંથી છોડાવ.
ફકીરે કહ્યું અરે ગાંડા તારી મદદ અને તારા ચમત્કારને લીધે તો આ બધું શક્ય
બન્યું છે, હવે તને હું જવા દેતો હોઈશ? માટે આરામ થી અહીં રહે અને મને
મદદ કરતો રહે.
ભૂત સમજી ગયો કે મેં આ સ્વાર્થી ને મદદ કરીને મોટી ભૂલ કરી છે, તેથી તેણે
ફકીરને કહ્યું કે તેં મને દગો દીધો છે, હવે હું તને મદદ કરવાનો નથી, મારા
નામે ચાલતું તારું નાટક હવે કેમ ચાલે છે તે હું જોઈશ. હું મારી શક્તિ નો
ઉપયોગ અત્યાર સુધી તારા ચમત્કાર સર્જવામાં કરતો તે હવે લોકોને તારી પોલ
ખોલવા માં વાપરીને તને બરબાદ કરી નાંખીશ.
બન્ને વચ્ચે ખૂબ જગડો થયો, પણ પેલો ફકીર ચાલાક નીકળ્યો, તેણે ભૂતને કહી
દીધું કે હવે મને તારી કોઈજ જરૂર નથી, બીજે દિવસે તેણે સર્વે લોકો ને
બોલાવી ને જાહેરાત કરી કે આજે રાત્રે પીર બાબા આવીને મને કહેવા લાગ્યા કે
"મારે દેશા રટણ કરવા જવું છે, પણ આ જગ્યા પર એક ભૂત નજર રાખીને બેઠો છે,
મારી હાજરીમાં તો એ તને કંઈ કરી શકતો નથી પણ મારા ગયા પછી તને હેરાન કરશે
એ બીક છે, માટે તું બાજુ ના ગામમાં એક તાંત્રિક રહે છે, તેને બોલાવીને આ
ભૂતનું નિવારણ કરીને તેનાથી સદાય છુટકારો મેળવી લેજે." તમે સર્વે લોકો
મારા સેવકો છો તેથી હું તમને કોઈ હાની થવા નહીં દવ, તમારે કોઈ ભૂત થી
ડરવાની જરૂર નથી, જો તે તમને દેખાય તો મારા નામના પોકાર કરવા લાગજો, એટલે
એ મારાથી ડરી ને જતો રહેશે. અને બિજું હમણા પીર બાબા હાજર નહીં હોય તેથી
જેણે બાધા આખડી કરી હોય કે કરવાની હોય તેણે નિરાશ થવાની જરૂર નથી, તમારો
ચડાવો નિયમિત અહિં ચડાવતા રહેજો બાબા પધારશે ત્યારે ક્રમ મુજબ બધાની
માનતા પુરી કરશે, માટે કોઈ આ ક્રમ છોડશો નહીં, નહીંતર તમારો નંબર જલદી
આવશે નહીં.
ભુતે તેનાથી બનતા બધાય પ્રયત્નો કર્યા પણ ફકીરને કોઈ નુકસાન કરી ન શક્યો,
ફકીરે લોકોને એવા ભ્રમિત કરેલા કે તેઓ આ પાખંડીના પાખંડને સમજી ન શક્યા
અને છેતરાતા રહ્યા. મજબૂર બનીને ભૂત પણ ફકીરની મદદ કરતો રહ્યો, અને જે
ભૂતને પણ મજબૂર બનાવી શકતો હોય તેની સામે લાલચુ કે ભોળા મનવ શી વિસાતમાં?
ફકીરને હવે અઢળક ધન કમાયા પછી ભૂતના પરચાની ખાસ જરૂર ન હતી, જીવ્યો ત્યાં
સુધી આરામ થી રહ્યો, પછી ઊપર શું થયું હશે તે તો ઉપરવાળો જાણે.
આતો કંઈક સાંભળેલું અને કંઈક જોડેલું છે, પણ ભારત માં આવા પાખંડી બાકાઓ
નો અત્યારે રાફડો ફાટ્યો છે, રોજ ટી.વી. ચાલુ કરો ત્યાં નવા નવા બાબાઓ ના
ચિત્ર વિચિત્ર તેમજ સજી ધજી ને બેઠેલા અને વાહિયાત વાતો કરી ને ભોળા સાથે
લાલચુ લોકોને ઠગતા નરાધમો નજરે પડે, આપણું સુરક્ષા તંત્ર પણ કેવું છે?
જ્યાં સુધી કોઈ ફરિયાદ ન કરે ત્યાં સુધી આવા ઠગોને કોઈ રોક ટોક વિના
લોકોને ઠગવાદે, અને જ્યારે કોઈ પગલાં ભરે ત્યાં સુધીમાંતો આવા ઠગો એટલાં
ધનાઢ્ય બની બેસે કે પોતાના કરતૂત છુપાવવા માટે સફેદ ઠગોને લાલચ આપીને
પોતાનું કાર્ય આસનીથી ચલાવતા રહે. આવા બધા પાખંડીઓ ના પ્રતાપે સાચા સંતો
અને ભક્તો ને પણ આપણે ખોટી રીતે જોવા લાગીએ છીએ.
આજના જમાનામાં ટી.વી. અને સમાચાર પત્રો જેવા માધ્યમો મારફતે કેવા કેવા
કિસ્સાઓ બહાર આવતા હોય છે, કેટલી કેટલી સમજ આપવામાં આવે છે, છતાં લોકો
કેમ ભરમાય જાય છે ? કઈ હદ સુધી માનવીની લાલચ તેને ખોટાં કામ કરવા પ્રેરે
છે? નથી લાગતું આપણે હજુ ઘણું બધું શીખવા નું અને શીખવવાનું બાકી છે ?
ઈશ્વર સૌને સદ્બુદ્ધિ આપે એજ અભ્યર્થના.
kedarsinhjim@gmail.com

Sunday, August 5, 2012

શીદ ને ફૂલાય

શીદ ને ફૂલાય

શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે. પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

આપી છે વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે. ભસતો ફરે છે ભાષણો, જગને
ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે. કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, મુરખા મજા કરે. ધનવાનો ના ધામ માં, ક્યાંક
નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે. પણ-કહેવું પડે છે માનવી ને,
કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ? પણ તેને-બનવું પડે છે
માનવી, ત્યારે નડ્યા કરે..

આપ્યું અધિક છે ઈશ તેં, આ દીન પર દયા કરી. તો "કેદાર" કેરી કામના, તને
પલ પલ ભજ્યા કરે..


સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે
સાથે એટલું બધું આપ્યું છે કે જેનો
આપણને ખ્યાલ પણ નથી આવતો. અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે
તેની કિંમત સમજાતી નથી.

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે
માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં
મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં
કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં ઊણો
ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે
જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન
કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે
છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી
છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને
તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના
દુઃખોથી પીડા ભોગવે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં નિર્ધન લોકો સુખ
સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જળમાં રહેનાર,
જમીન પર રહેનાર અને આંકશ માં રહેનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે
દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા
અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે
વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર
ફક્ત માનવ રૂપે જ ધર્યો છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ
વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક
કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા
કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.

રચયિતા:
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

Thursday, August 2, 2012

માળા જપી લે

માળા જપી લે
ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...જેવો

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
હરિ વિના કોણ ઉતારે ગઠડી
તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને. અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..

આરે સંસાર કેરું, સુખ નથી સાચું . માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું
ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે. કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને. જીવન ની ઝંઝટ સઘળી,
સોંપી દો શ્યામ ને
ખટપટ તું
ખોટી ના કર, મોભા કે માન ની...

"કેદાર" કરુણા નો સાગર, આવે જો ઉર માં. મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
ફરૂકે ધજાયું તારી,
ભક્તિ કેરા ભાવ ની..

સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં
જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ કર્મો કરતો જાય તેમ તેમ
ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે
કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં
વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને
દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો
બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં
જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક
સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની
ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો
કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ
બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન
કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું
બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.

સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે માખી, કીડી જેવા
જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ? આના જેવો સંગ્રહખોર
બિજો કોઈ જીવ મેં ભાળ્યો'તો નથી પણ સાંભળ્યો પણ નથી, ખોરાક સિવાયની પણ
કોઈ વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય
કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે
સિકંદરની જેમ ખલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.

મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને
પ્રવચનો આપે, પણ એના બદલે હરી ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો
ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.

Wednesday, August 1, 2012

અવસર

અવસર
ઢાળ:- કાફી જેવો


-સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ. હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ

પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા. સઘળા કાર્ય સુધારશે, કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ. શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..


અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે, સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર નહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર,
કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...

આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી. મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની. ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા
શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે
ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને
મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા
જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ
કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાં છે. માટે ઉપર વાળા એ આપેલ આ
અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને
આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ
જીવન તો જીવેજ છે.
જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ
તેને બધી સમજ હોય છે. અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી
જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને
બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે
આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ
કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરીએ. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને
એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન
કરે છે.
આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો
જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ
ગાન કરતા રહીએ.
આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર
વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે
આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા
એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું
ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.

રચયિતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com