Sunday, May 14, 2023

હરિનો હિસાબ

હરિનો હિસાબ

ઢાળ-સારંગ જેવો.
સાખીઓ-ભાળ્યા હજારો ભક્ત જન, ભજતાં ભુખે રામ. .  પામે અનેકો દુરિજનો, ધન ધાન્ય આરામ.
               સદગુણી સંકટ સહે, પાપી સુખ મય હોય.  ભક્ત જન ભૂખ્યો ફરે, તારો ન્યાય ન જાણે કોય
               અલખ ની અદાલત માં, નથી કોઇ કાયદો કાચો,   ન વકીલો કે દલીલો છે, છતાંએ ન્યાય સૌ સાચો


પ્રભુજી તારા ચોપડે ચોખું સૌનું ખાતું, 
           વાલાજી, એમાં આડું અવળું ના કંઈ થાતું...

પાપ કે પુણ્યના પલ્લામાં પ્રભુ, સદા સરવાળે એ લખાતું
એમાં ઉધાર નહીં રાખે રોકડું,      કરેલા કરમથી ભરાતું....

અણસમજુ ને એમાં સમજ ન આવે કહે, પાપીને સુખ કાં કળાતું
ભોળા ભક્તોને ભીડ બહુ ભારી,    સહજ જીવન ના જિવાતું....

જેવી કરણી તેવી ભરણી,   સુખ દુખ એમાં જઈ સમાતું
પાપના પોટલાં પુરા બળે પછી,   પુણ્યનું પાસું વપરાતું ...

"કેદાર" કરુણાનિધિ કપટ કરે નહીં, સહજ નથી એ સમજાતું
ભાવ ધરી સદા ભજો ભૂધરને, જીવન ધન્ય બની જાતું....

સાર:- ઈશ્વરના દરબારમાં દરેક જીવની એક એક પળનો હિસાબ રાખવામાં આવે છે, જેમાં ક્યારેય પણ કશુ આડુ અવળું થતું નથી.
જીવ પાપ કરે કે પુણ્ય કરે, તેમાં ક્યારેય બાદબાકી થતી નથી, માનવી વિચારે કે આટલાં પુણ્યો કરી લઈએ તો કરેલા પાપમાંથી મુક્તિ મળી જાય. પણ ઈશ્વરના દરબારમાં ક્યારેય બાદબાકી થતી નથી, જેટલા પુણ્ય કર્યા હશે તેનું ફળ મળશેજ, પણ જે પાપ કર્યા હશે તે પણ ભોગવવાજ પડશે, માટે એવું કોઈ કાર્ય ન કરવું જેની સજા ભોગવવી પડે.
એક દાખલો આપું તો પહેલાના જમાનામાં અનાજ ભરવા માટે ગારાની કે લોઢાની કોઠીઓ વપરાતી, તેમાં અનાજ કાઢવા માટે નીચે એક કાણું (સાણું) રાખવામાં આવતું. આ કોઠીમાં પહેલાં બાજરો ભરો અને પછી જાર ભરો તો કાણામાંથી પહેલાં બાજરો નીકળશે અને પછી બાજરો ખતમ થતાં જાર નીકળશે. આમ પાપ અને પુણ્ય ક્રમવાર ભોગવવા પડશે. કોઈ અધમ માણસના પુણ્ય જ્યારે નીકળતા હોય ત્યારે તે પાપી હોવા છતાં પુણ્ય ભોગવતો હોય, તેથી તે સુખી લાગે, પણ જેવા પુણ્ય ખતમ થાય પછી પાપ ભોગવવા પડે, અને ત્યારે કદાચ સારો માણસ હોવા છતાં દુખી લાગે. 
ઈશ્વરના આ ક્રમમાં ક્યારેય ફેર પડતો નથી. માટે ભજન કરો અને નિત્યાનંદમાં રહો.
:રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com 
WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫.-
અન્ય. નં.  ૮૧૬૦૬૩૦૪૪૯         

No comments:

Post a Comment